૧૯૭૨: “ધ ગ્રેટ થર ડેઝર્ટ”
શહિદો માટેની પરેડ પૂરી થઇ ત્યાં મારા કમાંડંટ મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે મારે તાત્કાલિક જોધપુર જવાનું છે. બે દિવસ બાદ ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં ‘ડેઝર્ટ વૉરફેર કોર્સ’ શરૂ થવાનો હતો અને અમારા ફ્રંટિયરમાંથી મને પસંદ કરવામાં આવ્યો. હું ઉતાવળે મારી બટાલિયનમાં પહોંચ્યો અને ત્રણ મહિના માટે જોધપુર જવા નીકળ્યો.થરના રણમાં શરૂ થનારા આ કોર્સમા ત્રણ અન્ય અફસર અને ૨૧ કમાંડો ભાગ લઇ રહ્યા હતા. આપણા રાજ્યના કચ્છના રણ કરતાં રાજસ્થાનનું રણ સાવ જુદું. અહીં ખારો પાટ નથી, પણ મસ મોટા ડુંગરા જેવા રેતીના ઢુવા હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાં ચાલવું એટલું જ દુષ્કર. કેટલીક જગ્યાએ પીંડી સુધી પગ રેતીમાં ઘુસી જાય. રાજસ્થાનના રણમાં હંમેશા જુના ચીલા પર જ જવું જોઇએ કેમ કે રેતીમાંના કળણ (quick sand) એવા છૂપાયેલા હોય છે કે તેમાં માણસ પૂરે પૂરો ગરક થઇ જાય. મોટર ગાડી તથા ટૅંક તેમાં એવી ફસાઇ જાય કે તેમને બહાર કાઢવું અશક્ય છે. ૧૯૭૧ની લડાઇમાં લોંગેવાલા સેક્ટરમાં આપણા વિમાનો દ્વારા થયેલા હુમલામાંથી બચવા પાકિસ્તાનની ટૅંક્સ ચીલો છોડી જવા લાગી અને રેતીમાં ફસાઇ ગઇ હતી. આપણા વિમાનોએ નષ્ટ કરેલી આ ટૅંક્સ અમે આ કોર્સ વખતે જોઇ શક્યા હતા.
રણમાં આવેલ ટ્રેનીંગ કૅમ્પ જોધપુરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર હતો જ્યાં અમારે ઊંટ પર બેસીને જવાનું હતું. પહેલા ચાર અઠવાડીયાની ટ્રેનીંગ ક્લાસરૂમમાં હતી, તેમાં જાણવા મળ્યું કે ઊંટ અત્યંત વિક્ષીપ્ત પ્રાણી છે. તેની બે વાતોથી હંમેશા સાવધ રહેવું જોઇએ. એક તો તેને મારકૂટ જેવી ક્રુર શિક્ષા ન કરવી જોઇએ, કારણ કે તે મારનારને યાદ રાખી, લાગ મળતાં બરાબર વેર લે છે. દાખલા તરીકે તમારૂં ધ્યાન ન હોય ત્યારે દાંત વડે તમારા વાળ ઉખેડી લે! બીજી વાત: શિયાળામાં તેનો સંવનન કાળ હોય છે ત્યારે તેનું વર્તન અનપેક્ષીત હોય છે. રોજ સાંજે અમને ઊંટ પર સવારી કરવાની પ્રૅક્ટીસ કરવાની હતી, પણ આ વાતો સાંભળ્યા બાદ કોણ જાય? અમારામાંથી કેટલાક લોકો એ સવારી કરવાનું ટાળ્યું, જે મહા ભયંકર ભુલ સાબિત થઇ. સવારીના મહાવરા વગર અમને પૂરો ૬૦ કિલોમીટરનો પ્રવાસ અમારે પોતે ઊંટના ચાલક તરીકે કરવો પડ્યો!
ઊંટ પર સવારી કરવી સહેલી નથી! સૌ પ્રથમ તેને જમીન પર બેસાડવો પડે. તેમ કરવા માટે તેની રાશ પકડી, જમીન તરફ હળવેથી ખેંચી “જે!....જે!” બોલવું પડે. તે બેસે એટલે પલાણની પાછળની સીટ પર બેસનાર પ્રવાસીએ પહેલાં બેસવું. પરંતુ આગળના પલાણ પર સ્વાર બેસે કે તરત ઊંટજી બે ઝટકે ઉભા થાય. સાવધાની ન રાખીએ તો સૌથી પહેલાં આપણે પાછળની બાજુએ ‘ઉડીએ’ અને બાદમાં આગળ. બન્ને વખતે પલાણ (જેને ‘કાઠી’ કહેવામાં આવે છે) મક્કમ રીતે પકડી રાખવી જોઇએ. અહીં જરા જેટલી શરતચૂક થાય તો આગળ બેસનાર માણસ ગલોટિયું ખાઇ ઊંટના આગલા પગની આગળ પડી જાય! જોધપુરના તબેલાનો એક ઊંટ ‘નમૂનો’ હતો. તેને બીડીનું બંધાણ હતું! તેનો સ્વાર સવારના પહોરમાં બે-ત્રણ બીડીઓ સામટી સળગાવીને તેનો ધુમાડો આ ઊંટ મહાશયના નાકમાં ન છોડે ત્યાં સુધી તેઓ ઉઠવાનું નામ ન લેતા!
પ્રશિક્ષણક્ષેત્રમાં જતી વખતે બે-ત્રણ કલાકની સવારી બાદ હું એક વાત શીખ્યો કે ઊંટના પલાણમાં આગળ બેસવાથી કમરને આંચકા ઓછા લાગે છે! શરૂઆતની સવારીમાં જ્યારે ઊંટ તેની ગરદન પાછળ ફેરવતો ત્યારે મારા પગ સુધી તેનું મ્હોં પહોંચતું. ક્લાસરૂમમાં શીખેલી વાતો સાંભળ્યા બાદ થોડો ડર લાગે તે સ્વાભાવિક હતું. જેમ જેમ અંતર કપાતું ગયું સવારીમાં આનંદ આવવા લાગ્યો. રણમાં દોડતા ઊંટને અમસ્થું જ ‘રણનું વહાણ’ નથી કહેવાતું! રણની રેતીમાં પૂર ઝડપે દોડતા ઊંટની સવારી કરવાની મજા અૉર હોય છે.
અમારા કોર્સ ઇન્સ્ટ્રક્ટર ઘણા કડક હતા. રણના ઢુવા - જેને રાજસ્થાનમાં ‘ટીલા’ કહે છે, તેમાં અમને યુદ્ધની આક્રમણ, સંરક્ષણ, અૅમ્બુશ વિ. જેવી ક્રિયાઓ કરવા ઉપરાંત પૂરી ઇક્વીપમેન્ટ સાથે રેતીના ડુંગરાઓ પર પચીસ કિલોમીટરનો forced march કરાવ્યો. તે સુદ્ધાં પાણીની એક-એક બાટલી સાથે. તે દિવસે અમને કહેવામાં આવ્યું હતું કે બપોરના ભોજન સુધીમાં કૅમ્પમાં પાછા આવી જઇશું, તેથી અમને ‘પૅક લંચ’ લેવાનો હુકમ નહોતો. બપોરના બે વાગ્યા ત્યારે અમે કૅમ્પથી આઠે’ક કિલોમીટર દૂર હતા. સહુ થાકી ગયા હતા. રસ્તામાં અમે એક ઢાણી પાસે પહોંચ્યા. પંદર-સત્તર ઝુંપડાની આ વસ્તી ‘જાટોંકી ઢાણી’ હતી.પરંપરા મુજબ તેમના મુખી અમારૂં સ્વાગત કરવા આવ્યા.
“પધારો, હુકમ!”
“જૈ માતાજી રી,” કહી અમે જવાબ આપ્યો.
અમારા મુખડાં જોઇને તેમને કદાચ ખ્યાલ આવી ગયો કે અમે ભૂખ્યા છીએ! તેમણે અમને બેસવા કહ્યું. કચ્છના રણ પ્રદેશમાં ભુંગા હોય છે તેવા અહીંના અંદર બહારથી સ્વચ્છ ઝુંપડા, સુંદર ડીઝાઇનોથી લીંપેલી ભિંતો, પ્રવેશદ્વારની આગળ લીંપેલું આંગણું અને બહાર રમતાં બાળકો જોઇ મન પ્રસન્ન થયું. અહીં નહોતાં પાણીનાં નળ, નહોતી વિજળી કે નિશાળ. પાણી લેવા બહેનો ૧૫ કિલોમીટરનું અંતર રોજ ચાલે. બકરીઓ પાળીને ગુજરાન કરતા આ અશિક્ષીત પણ ભોળાં લોકોનાં મન કેટલા વિશાળ હતા તે દસ મિનીટમાં જ જણાઇ આવ્યું. દરેક ઝુંપડામાંથી પિત્તળના કટોરામાં બાજરીના રોટલાના જાડા ભુક્કામાં છાશ ભેળવી, તેના પર ભભરાવેલ મીઠાંનું શીતળ રાબડીનું ભોજન આવ્યું. મને બાળપણમાં વાંચેલી ભાવનગરના મહારાજ ભાવસિંહજી અને સોંડા માળીની વાત યાદ આવી ગઇ. વનમાં શિકાર કરવા નીકળેલ ‘જણ’ કોણ હતો તે જાણ્યા વગર સોંડા માળીએ મહારાજને તથા તેમના સાથીઓને ઝાડ પર ટાંગેલા બોઘરણાંમાં રાખેલ પોતાનો રોંઢો - ‘બોળો’ (જુવાર કે બાજરાના રોટલાના ઝીણાં કકડા છાશમાં ભીંજવી તેને બોઘરણાંમાં મૂકવામાં આવે છે. ખેડૂત આ રોંઢાનું બોઘરણું ઝાડની ડાળી પર લટકાવી રાખે છે અને બપોરે જમે છે) પીરસી દીધો હતો. સેંકડો માઇલ દૂર, વેરાન ધરતીમાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતીની જળવાઇ રહેલી પરંપરા જોઇ મન અનેક ભાવનાઓથી તરબોળ થઇ ગયું.
“જીમો, હુકમ,” મુખીએ કહ્યું.
ભોજન સામે આવ્યું હતું. અમે તેમને કેવી રીતે ના કહી શકીએ?
અમને - ૨૬ અતિથીઓને - ભોજન આપનાર અન્નપૂર્ણાઓ દૂર ઉભી અમને જોઇ રહી હતી.
ભોજન પતાવીને અમે ગામના મુખીને પરાણે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. રૂપિયાની નોટો જોઇ તેમના ચહેરા પર નારાજી સાફ દેખાઇ. અંતે અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનીને નીકળી પડ્યા.
‘ડેઝર્ટ વૉરફેર’ના કોર્સમાં અમારા ઇન્સ્ટ્રક્ટરે અમારો સંપૂર્ણ દમ કાઢ્યો. અમારી પાસેથી ૨૫ કિલોમીટરનો ‘ફોર્સ્ડ માર્ચ’ કરાવી તેમણે કોર્સની અને અમારી પૂર્ણાહુતિ કરી નાખી! ત્રણ મહિનાનો કોર્સ પૂરો કર્યા બાદ સૌથી મધુર નીંદર આવી હોય તો ટ્રેનમાં કૂપેની નીચેની બર્થમાં!
ટ્રેનીંગ દરમિયાન મને એક અકસ્માત નડ્યો હતો. રણના માર્ગ તરફ દોડી રહેલા મારા ઊંટના પલાણનો પટ્ટો અચાનક તૂટી ગયો અને હું ઉંચેથી લપસીને ભોંય પર પડ્યો. એક શરીરના અંદરના ભાગમાં એવો જખમ થયો જે આગળ જતાં સેપ્ટીક થયો. અૉપરેશન કરવાની જરૂર પડી.
અમારા નાનકડા ગામમાં અૉપરેશનની સુવિધા નહોતી તેથી મને અમૃતસરના સિવીલ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે સલાહ આપી કે આ અૉપરેશન જનરલ એનેસ્થેસીયા નીચે કરવું સારૂં. શસ્ત્રક્રિયા પંજાબના પ્રખ્યાત સર્જન શ્રી. સ્વતંત્ર રાયે કરી અને મને આરામ થયો. પરંતુ અૉપરેશનના એક મહિના બાદ અમારા ડૉકટરે મને જે વાત કહી તે સાંભળી હું થરથરી ગયો.
અૉપરેશન શરૂ થયાની પાંચ મિનીટમાં મારા હૃદયના ધબકારા મંદ પડી ગયા હતા. તે જમાનામાં અમૃતસરમાં ઇલેક્ટ્રૉનીક મૉનીટર નહોતાં. અમારા યુનિટના ભલા મેડીકલ અૉફીસર પોતે ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ મારા હૃદયનાં સ્પંદન મૉનીટર કરી રહ્યા હતા. તેમણે સર્જનને તરત સાબદા કર્યા. સ્વતંત્ર રાય બાહોશ ડૉક્ટર હતા. તેમણે આદેશ આપ્યો, “અૉક્સીજન તપાસો.”
એનેસ્થેટીસ્ટે સીલીંડરનું પ્રેશર તપાસ્યું તો સીલીંડર તદ્દન ખાલી હતી!
સદ્ભાગ્યે નજીકમાં જ સ્પૅર સીલીંડર હતી અને તાત્કાલિક કારવાઇ કરવામાં આવી. થોડી સેકંડનો વિલંબ થયો હોત તો હું કાયમ માટે ‘brain damaged - cabbage’ બની ગયો હોત! મિલીટરીમાં ગયો ત્યારે લોકો મને ‘બ્રેન ડૅમેજ્ડ' માનવા લાગ્યાા હતા. અૉપરેશનમાં જો ખરાબ પરિણામ આવ્યું હોત તો નાનકડું પરિવર્તન થયું હોત: માનવમાંથી શાકભાજી બનવાનું!
હૉસ્પીટલમાં હું સારવાર નીચે હતો ત્યારે મને મળવા અનુરાધા બસમાં હેડક્વાર્ટરના નાનકડા ગામમાંથી એક કલાકનો પ્રવાસ કરી અમૃતસર રોજ આવતી. એક દિવસ તેની સાથે આવેલા અમારા વૃદ્ધ અૉર્ડર્લી હુકમચંદ તેને મારી પાસે મૂકી નજીક આવેલી અમૃતસરની બીએસએફ બટાલિયનમાં કોઇકને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ ખબર લઇ આવ્યા કે ચાર નંબરની ચોકીને જીતવાની જવાનોએ સાથે કરેલ કાર્યવાહી માટે જીપ્સીને President’s Police & Fire Services Medal for Gallantry એનાયત થયાનો સિગ્નલ આવ્યો હતો. મારા સાથી સબ-ઇનસ્પેક્ટર કરમચંદને રાષ્ટ્રપતિનો ચંદ્રક પહેલાં જ જાહેર થયો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધમાં મારી 'ચાર્લી' કંપનીના સૈનિકોને એક સેના મેડલ, રાષ્ટ્રપતિના બહાદુરી માટેના બે ચંદ્રક અને બે પોલીસ મેડલ ફૉર ગૅલન્ટ્રી મેડલ મળ્યા. આવા બહાદુર સૈનિકોનું નેતૃત્વ કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો તે મારા જીવનના આનંદની પરમોચ્ચ ઘડી હતી. મને મળેલા અભિનંદનના પત્રોમાં ઠાકુર કરમચંદે ઉર્દુમાં લખેલ અંતર્દેશીય પત્રને હું સર્વશ્રેષ્ટ ગણું છું.
‘જરા યાદ કરો…’
દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, “તુમ બડે તકદીરવાલે નીકલે! બાલ-બાલ બચ ગયે!” મને સંતોષ હતો કે અમારા ‘ખોવાયેલા’ જવાનોને જર્નેલ અને હું મળી શક્યા હતા, અને તેમના પર મૂકાયેલા desertion- ભાગી જવાના આક્ષેપને જુઠો સાબિત કરી શક્યા હતા. તેજાને મેં અમારી પ્લૅટૂનોની deploymentની પૂરી માહિતી આપી અને નકશામાં તેમના ગ્રીડ રેફરન્સ બતાવ્યા. હવે તેણે કંપનીના ફાયરીંગ પ્લાનમાં ફેરબદલી કરી અને અમારા સૈનિકોને તેમાં આવરી લીધા. ત્યાંથી નીકળી અમારી ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટરમાં જઇ અમારા જવાનો માટે ચ્હા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. કંપની હેડક્વાર્ટર્સનો અમારી બટાલિયન સાથે ટેલીફોન લાઇનનો સંપર્ક હતો તેથી અમારા સીઓને અમારા ‘અભિયાન’નો રીપોર્ટ આપ્યો. તાઉને પ્લૅટૂનોની લોકેશનની માહિતી આપી ત્યાં ભોજનની ગાડીઓ રવાના કરીને હું અમારા બટાલિયન હેડક્વાર્ટર તરફ જવા નીકળ્યો.બટાલિયનની બધી કંપનીઓએ કરેલ અભૂતપૂર્વ કામગિરીનો સિટરેપ (સિચ્યુએશન રીપોર્ટ) જાલંધરના ફ્રન્ટિયર હેડક્વાર્ટરમાં તથા દિલ્લીના અમારા સર્વોચ્ચ હેડક્વાર્ટરમાં પહોંચી ગયો હતો. અમારી બટાલિયનને ૧૯૭૧ના વર્ષની સર્વશ્રેષ્ઠ બટાલિયનનો પુરસ્કાર મળ્યો. અમારી બટાલિયને એક વીર ચક્ર (સબઇન્સ્પેક્ટર અજીતસિંહ), એક સેના મેડલ (સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ), રાષ્ટ્રપતિના પોલીસ અૅન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફૉર ગૅલન્ટ્રીના છ (સબઇન્સ્પેક્ટર ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસી રામ, લાન્સનાયક સુરજીતસિંહ, હવાલદાર હરબન્સ લાલ અને જીપ્સી) તથા ત્રણ પોલિસ મેડલ ફૉર ગૅલન્ટ્રી (સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયર) જીત્યા. ૧૯૭૧ના યુદ્ધમાં અમારી બટાલિયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતનારી બીજા નંબર પર આવી.
માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ “મહાન” (!) કામ કરી રહ્યો છે. તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે. દિવસ વીત્યે જો તેને સારી નિંદર આવે તો તેણે સમજવું કે તેના હાથે તે દિવસનું કામ પ્રામાણિકતાપૂર્વક પૂરું થયું. તે દિવસની રોટી તેને સાર્થક થઇ. લડાઇમાં દુશ્મનોના ગોળીબાર અને બૉમ્બવર્ષામાં આપણા જવાનો જે ભાવનાથી લડતા રહ્યા, તેમને મળેલી કેળવણીનો હિંમતથી પ્રયોગ કર્યો તથા યુદ્ધમાં પોતાની પ્લૅટુનને, કંપનીને, બટાલિયનને તથા દેશને વિજય અપાવ્યો, તેમાં તેમની નિષ્ઠા અને નમ્રતા વ્યક્ત થાય છે. સંતોખસિંઘ, અજાયબસિંઘ, મહેરસિંઘ, પ્રભાકરન નાયર - તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અજીતસિંઘ, ઠાકુર કરમચંદ, ચંદર મોહન, દર્શનસિંઘ જેવા વીર પુરુષોના સહવાસમાં તેમની ભાવના અને કર્તવ્યપરાયણતાનાં દર્શન થયા. તેમણે જીવન જીવી જાણ્યું અને તેમની વીરતા તથા નમ્રતાનો પ્રકાશ અમારા જીવન પર ફેલાવતા ગયા.
૧૯૭૧-૭૨નો શિયાળો અમારા માટે અનેક દૃષ્ટીએ યાદગાર થયો. બહાદુરીના પ્રથમ ચંદ્રકો મૃત સૈનિકો માટે જાહેર થયા તેમાં મારી કંપનીના શહિદ થયેલા બે જવાનો હતા. પંજાબના ગવર્નરશ્રીના હાથે તેમની વિધવાઓને ચંદ્રક અાપવામાં આવનાર હતા. મને કામગિરી સોંપાઇ તેમને તેમનાં ગામથી જાલંધર લાવવાની. હું તેમને ગામ ગયો અને તેમના પરિવારને મળ્યો ત્યારે હૈયું વલોવાઇ ગયું. સંતોક સિંઘની વિધવા, તેના ઘરડાં મા-બાપ અને ભાઇ-બહેનોનું રુદન રોકાતું નહોતું. આખું ગામ મારી આસપાસ ભેગું થઇ ગયું. સંતોક સિંઘના વૃદ્ધ પિતાની પાસે હું બેઠો અને તેમને સંતોક સિંઘની બહાદુરીની વાત કરી. લડાઇમાં મૃત્યુ પામનાર દરેક સૈનિકને ગૅલન્ટ્રી અૅવોર્ડ મળતો નથી, અને જે હાલતમાં સંતોક સિંઘે પોતાના પ્રાણની અાહુતિ આપી તે સાંભળી તેના પરિવારે અને ગામના લોકોએ કહ્યું કે શહીદ સંતોક સિંઘે પરિવારને અને ગામને ઉંચી પ્રતિષ્ઠા અપાવી. તેનું બલિદાન સાર્થક થયું. આ વખતે મને ખાસ તો એ જોવા મળ્યું કે સૈનિકના પરિવારને આખા ગામનો ઉષ્માભર્યો સાથ હતો. આ પંજાબ છે. પંજાબની પરંપરા હતી સૈનિકોનાં પડખે રહેવાની.
અજાયબ સિંઘને ઘેર ગયો ત્યાં પણ એવો જ અનુભવ થયો. બન્ને સિપાહીઓ યુવાન હતા. તેમની યુવાન વિધવાઓનું દુ:ખ જોયું જતું ન હતું. આવા શોક ભર્યા માહોલમાં પણ આ ખેડૂત પરિવારોની ખાનદાની શિષ્ટતા છતી થઇ. અમારા ડ્રાઇવર, સાથી જવાન અને મને કાંસાના થાળમાં મકાઇના ગરમ રોટલા અને શાકનું ભોજન પીરસવામાં આવ્યું હતું. એક ફૂટ લાંબો પિત્તળનો પ્યાલો ભરેલ લસ્સી અમારી સામે ધરવામાં આવી.
મોડી સાંજે અમે જાલંધર પહોંચ્યા. બહેનો તથા તેમની સાથે આવેલ વડીલોને તેમના ઉતારે પહોંચાડ્યા.
બીજા દિવસે યોજાયેલી ભવ્ય પરેડમાં પાંચસો સિપાહીઓ અને છ અફસરોના માર્ચ પાસ્ટમાં સલામી અને શહીદોને તથા તેમના પરિવારોને અંજલી અપાઇ. મારૂં સદ્ભાગ્ય હતું કે શહીદ સંતોક સિંઘ અને અજાયબ સિંઘની વીરાંગનાઓને ગવર્નરશ્રીના મંચ સુધી લઇ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.
અમારી બટાલિયનના સાત જવાનો શહીદ થયા. તેમના અંત્યસંસ્કાર વખતે અપાતી ‘શોક-શસ્ત્ર’ની સલામી, ત્યાર બાદ બ્યુગલ પર વાગતા ‘લાસ્ટ પોસ્ટ’ના કરૂણ સૂર, ત્યાર બાદ ઉગતા સૂર્યને ધ્વજારોહણ દ્વારા અપાતા આવકારના ‘reveille’ના બ્યુગલના સૂર - દિવંગતના આત્માના સ્વર્ગારોહણ દર્શવતા હોય તેના નાદમાં તેમને અગ્નિદાહ દેવાનું કામ પણ અૅજુટન્ટની હેસિયતથી મારે જ કરવું પડ્યું હતું. આવી હૃદયવિદારક પરિસ્થિતિમાંથી કોઇને ન જવું પડે એવી પ્રાર્થના હું હંમેશા કરું છું.
જે શહિદોને શિફારસ કરવા છતાં બહાદુરીના ચંદ્રક ન મળ્યા, તેમની વિધવાઓને યુનિટ તરફથી સિલાઇ મશીન આપવાનું નક્કી થયું. મોટા ભાગની બહેનોએ તે લેવાની ના પાડી. “એક વીર સૈનિકની પત્નીને આવું દાન લેવું શોભે નહિ,” કહી તેમણે યુનિટમાં આવવાનો સુદ્ધાં ઇન્કાર કર્યો.
લડાઇમાં કેવળ સિપાહીઓ જ ભાગ નથી લેતા. અમારા હેડક્વાર્ટરના વહીવટી ખાતાના સુબેદાર, નાયબસુબેદાર અને હવાલદાર-ક્લાર્ક પણ પોતાના કર્તવ્યમાં રત હતા. લડાઇમાં બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને વિના વિલંબે પેન્શન મળે તે માટે તેમણે રાત-દિવસ મહેનત કરી કાગળ તૈયાર કર્યા. બીજા દિવસે જવાબદાર ક્લાર્કને પરિવારોના ઘેર મોકલી કાગળમાં સહીઓ કરાવી, ફોટોગ્રાફ વિગેરે પડાવી કોરીઅર દ્વારા કાગળ ઉપરના હેડક્વાર્ટરમાં મોકલાવ્યા. અહીં કર્તવ્યપરાયણતાના ડગલે ને પગલે દર્શન થતા હતા. અમારા હેડક્લાર્ક સુબેદાર મોહિંદરસિંહની સજ્જનતા હંમેશા યાદ રહેશે.
સમય વહેતો જાય છે. રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતને કોઇ યાદ કરે છે કે નહિ, ‘ઝંડા દિવસ’ના સમયે શાળાનાં બાળકો સિવાય દાનપેટીમાં કોઇ બે-ચાર સિક્કા નાખે છે કે નહિ તે જોવા શહિદો આ જગતમાં નથી. તેમના પરિવારોને ભુલાઇ જવાની ટેવ પડી ગઇ છે. ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના બીજી અૉક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી, ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે? પરંતુ અમે સૈનિકો અને અમારા પરિવારો એક વાત જરૂર શીખ્યા છીએ: પાછળ ન જોતાં આગળ વધતા રહેવું. Move on! આવું ન કરવાથી દુ:ખ અને શોકની ગર્તામાંથી કદી બહાર નીકળી જ ન શકાય. આમ છતાં જેમની સાથે અમે ટ્રેનિંગ કરી, રણભુમિમાં સાથોસાથ દુશ્મનની ગોળીઓનો સામનો કર્યો, રાવિના બરફ જેવા ઠંડા પાણીમાં રાતના અંધારામાં ઉતરી અજાણ્યા ભવિતવ્ય અને મૃત્યુની સંભાવનાથી સભર એવા ધુમસમાં જેમની સાથે પ્રવેશ કર્યો, તેવા સાથીઓને અને તેમની સાથેના રોમાંચકારી વાતાવરણને કેવી રીતે ભુલી શકાય? એકલતાની પળોમાં જીપ્સી કોઇક વાર ભુતકાળમાં લપસી પડે છે. તે જઇ પહોંચે છે સરકંડાના જંગલમાં અને કઠુઆના પુલ પર. રાતના અંધારામાં તેને રાઇફલ કે LMGના ઘોડા ચડાવી તેને પડકારતા ‘હૉલ્ટ, હુકમ દાર’ના કડાકા યાદ આવે છે. બાળકના હાથમાંથી મિઠાઇનું પડીકું ઝડપી લેવા તીરની જેમ ઉતરતી સમળીની જેમ આવતા સેબર જેટ અને સ્ટારફાઇટર તથા તેમની મશીનગનના મારના ભણકારા સંભળાય છે. અર્ધી રાતે વગડામાં જાણે ડાકણ ચિચિયારી કરતી હોય તેવા અમારા બંકર પર આવતા દુશ્મનની તોપના ગોળાના તીણા અવાજ યાદ આવે છે. ડર તો તે વખતે પણ નહોતો લાગ્યો. અત્યારે તો નજર સામે દેખાતા યુવાન અફસરની છબી જોઇ રમુજ ઉપજે છે. કેવો ભોટ, આદર્શવાદી પાગલ હતો એ જીપ્સી! ન તો તેને પોતાની સુરક્ષાનું ભાન હતું કે નહોતી તેને પોતાના પરિવારની ચિંતા. ફીકર હતી કેવળ તેના હુકમને આધિન એવા જવાનોની, જેમણે પોતાના પ્રાણની જવાબદારી તેના ખભા પર સોંપી હતી.
Tatto Media
આંખનું કાજળ ગળે ઘસ્યું !
આજે આ લેખ વાંચ્યો કારણ કે એ બર્મ્યુડા ત્રિકોણ પર હતો. અને હેરાન થઇ ગયો ...તમે પણ થઇ શકો છો નીચેની હકીકતો વાંચીને..!આ લેખ માત્ર સનસનીરૂપ પ્રથમ પાનું ચીતરવાના ભાગરૂપ લખાયેલ જણાયું બાકી માહિતી અને હકીકતો સાથે આ લેખને ખાસ કઈ સંબંધ છે નહિ. હજારો ગુજરાતીઓ વિઝિબિલિટીના આંકડા જોઈ ઓફીસ જવા નીકળતા હશે અને જાણતા હશે કે એનો એકમ અંતરમાં હોય છે એટલે કે એનું માપ માઈલ કે કી.મી.માં હોય છે જયારે આ લેખમાં એ વેગના સંદર્ભે લખાયેલ છે.
[...પાઈલટની વિઝિબિલિટી ૧:૬ (પ્રતિ મિનિટે ૬ માઈલ)...]
જરા વિચારો તમને રસ્તો કેટલો સાફ દેખાય છે એનો આધાર સમય હોત તો !!! તમારા વાહનની સ્પીડ તમારા હાથમાં ના રહેતા આ કુદરતી પરિબળના હાથમાં હોત ! સારા અજવાળામાં તમારું વાહન ખુબ ઝડપથી ચાલે અને અંધારામાં 'હલે' નહિ!
એકમની વાત નીકળી છે તો બીજી એક વાત,
{ અલ્ટોમીટરનો કાંટો જોઈને વધુ ઊચાઈ મેળવવા મેં થ્રોટલ ખેંરયું. ૮૦૦૦, ૧૦૦૦૦, ૧૨૦૦૦..બસ, આટલી ઊચાઈ હવે કાફી હતી. }
જરા જણાવો તો કેટલી ઉંચાઈ ? એકમ વગર ક્યાંથી ખ્યાલ આવે? સિવાય કે તમે જાણતા હો કે વિમાન સામાન્યરૂપે કેટલી ઉંચાઈ પર ઉડે.
[બ્રુસ ગેર્નોન નામના પાયલટે આ વિસ્તારમાંથી બહાર નીકળીને તેનો અનુભવ વર્ણવ્યો. તેના આધારે વિજ્ઞાનલેખક આર્થર સી. કલાર્કે ‘ધ મિસ્ટિરિયસ યુનિવર્સ’ અને લેખક-પત્રકાર ચાલ્ર્સ બર્લિત્ઝે ‘વિધાઉટ અ ટ્રેસ’ નામના પુસ્તકો લખ્યા છે.]
આ હકીકતની નીચે બ્રુસ ગેર્નોન ખુદે લખેલા પુસ્તકનો તો ઉલ્લેખ જ નથી. THE FOG: A Never Before Published Theory of the Bermuda Triangle Phenomenon, (Llewellyn, 2005) નામનું પુસ્તક એમણે બીજા એક લેખક સાથે મળીને લખ્યું છે, જે પુસ્તકમાં તેના અનુભવના આધારે અને વિજ્ઞાનની મદદથી કેટલાક વૈજ્ઞાનિક તારણો કાઢ્યા છે, ના કે જેમ લેખમાં (અનુ)ઉચિત રીતે વાર્તાનુંવાદ કરાયો છે,
[ ચારે તરફ જાંબલી-લીલો પ્રકાશ આંખોને આંજી રહ્યો હતો અને વાદળમાંથી જાતભાતના આકારો ખુન્નસભરી આંખે જાણે અમારા તરફ ત્રાટકી રહ્યા હોય તેવો આભાસ થતો હતો., ] અને [વાદળમાંથી ડોકાતા ભેદી આકારો વચ્ચે અંગ્રેજી ‘ટી’ જેવા આકારમાં ખુલ્લા આકાશ જેવો ભૂરો ઊજાસ દેખાતો હતો.]
હવે આ અંગ્રેજી 'ટી' તેના પુસ્તકમાં ઈલેકટ્રોનના બનેલા ટનલ રૂપે બતાવેલી છે જે આ લેખમાં હમેંશા અંગ્રેજી 'ટી' આકાર જ રહે છે !! ક્યાં ટનલ અને ક્યાં અંગ્રેજી ટી મારા ભાઈ!
[બ્રુસ ગેર્નોન] {મેં ફલોરિડા એરપોર્ટ સાથે કનેકટ કરવા રેડિયો ઓન કર્યોતો થોડી ઘરઘરાટી પછી બિપ..બિપ અવાજ સાથે રેડિયો પણ બંધ થઈ ગયો.}
પણ હકીકતે, Gernon contacted Miami air traffic control and reported that he wasn’t sure of his position and would like radar identification. “I told them that we were about 45 miles southeast of Bimini heading east. But the controller came back and said that there were no planes on radar between Miami, Bimini, and Andros.”
{સાધારણ રીતે ૪૫ મિનિટમાં પૂરી થઈ જતી મુસાફરીમાં આ વખતે અમારે સવા બે કલાક થયા હતા}
પણ હકીકતે આ લોકો ૪૭ મિનિટમાં પહોંચ્યા હતા અને સામાન્ય રીતે ૭૫ મિનિટમાં પહોંચાય છે! Listen Bruce Gernon's own words:
“I had made this flight from Palm Beach to Andros at least a dozen times and had never flown it in less than 75 minutes, and that was on a direct route. This flight was indirect and would probably cover a distance of close to 250 miles. The Bonanza could not possibly travel that distance in 47 minutes when its maximum cruising speed was 195 miles per hour. We had no answers.”
વાંચ્યા પછી વાયકા, વાસ્તવિકતા કે વહેમમાંથી કશું પણ નહિ પણ નર્યા ગપગોળા જ લાગ્યા. અને એ પણ ભાસ્કર પૂર્તિના પહેલા પાને ?
ધર્મ હિતાય – ધર્મ રક્ષાય
ધર્મના હિત , રક્ષા અને સુ-સ્થાપના માટે આપણે ધર્મથી થોડા દુર જવાની જરૂર છે. જેને આપણે ધર્મ સમજીને અધર્મનો આંધળો પ્રચાર કરી રહ્યા છે અને જ્યારે હરામખોરો પકડાયા છે ત્યારે દેકેરો માંચાવીયે છીએ અને કેટલાય (ની)રાશારામો અને જાડેજાઓ આ અધર્મના છાયા હેઠે સમાજને છેતરે છે. આ બે તો માત્ર છાપે ચડેલા ઉદાહરણો છે બાકી તો હિમશિલા પાણીની માલપા છે. મોટા ભાગના આપણા - હિંદુઓના- ધર્મો આવા સડા નીચે ચાલે છે. રીડ ઇટ અગેઇન. સાધુ-બાવાઓની જમાત સ્વાર્થ અને ભપકામાં રચે છે અને ભોળી જનતા જનાર્દન એનો ભોગ બને છે કેમ કે આ લોકો ભગવાનના બેનર હેઠે બધા ઠાઠ/નાટક કરે છે. આ ભગવાનનો એવો ભાવ ભક્તોના મગજમાં ભરી દેવામાં આવ્યો છે કે એ લોકો ચુપચાપ બધું સહન કરી લે. ગુરુના ચરણોમાં જ રહેવાની વાતો હોય ત્યાં ભક્તોને ગુરુની ગાડી અને ગાદી ક્યાંથી દેખાય?આ બધા સાધુ બાવાઓની જમાત ઉનાળામાં ફોરેઇન ઉપડી જાય છે, આપણા તડકાથી અને વિદેશની ઠંડીથી બચવા. છાપામાં લખવા થાય કે ભાઈશ્રી અમેરિકામાં સત્સંગ કરી પરત ફર્યાના ઓઠા હેઠે એની પ્રતિષ્ઠા થાય. હકીકત કઈક જુદી જ હોય છે, જયારે તમે સાંભળો કે ફલાણો ઢીકણો મહારાજ વિદેશપ્રવાસે જઈ આવ્યો, એટલે સમજવું કે મહારાજ ઝોળી ભરી આવ્યા. અહી આવી આ લોકો નીચેના ૩-૪ કામો જ કરે છે
૧- દરેક ભકતોના ઘેર પધરામણી નું આયોજન. લગભગ ફરીજીયાત. અને પધરામણીનો ભાવ ૫૦૦ થી ૨૦૦૦ ડોલર હોય છે. એક ભક્તના ઘેર આવી પધરામણી થઇ, પેલા ભક્તે પ્રાઇસ ટેગ વાંચેલું નહીં. બિચારા પેટે પાટા બાંધી ઘર ચલાવે. પેલા મહારાજ તો પધરામણી કરી જતા રહ્યા. એના હિસાબનીશ ભક્તે હિસાબ માંગ્યો અને ભક્ત મૂંઝાયો. ૧૦૦૦ ડોલર લાવવા ક્યાંથી? ઘણી આજીજી થઈ. પણ એમ કઈ છુટાઈ? બિચારો ભક્ત ઉછીના પાછીના કરી માંડ ચુકવણું પતાવ્યું.
૨- આવે ત્યારે આગમન, જાય ત્યારે વિદાય અને રોકાય ત્યારે સભાઓ વગેરે. આ દરેક પ્રસંગે આરતી, પૂજા, કિર્તન, જમણ ઈત્યાદી અનેક પ્રકારના બાહ્યાચારના નામે કેટલાય ભક્તોને મુન્ડવામાં આવે છે. ઘણા ભક્તો રાજીખુશી કરે છે ત્યાં સુધી બધું બરાબર પણ જયારે, સમાજની બીકે થાય ત્યારે ભગવાન ક્યારેય રાજી ના થાય.
૩- સભાઓમાં ભાગ્યે જ સાચા ધર્મની વાતો થાય છે, મોટે ભાગે એના વાડાનો અને વડાનો પ્રચાર, વાડાનો દરવાજો બનાવવો છે અને અહીં નહીં મંદિર બાંધવા માટે મદદની માંગણીઓ, ગુરુની મહત્તા અને મર્યા પછી મોક્ષ નહિ પામોની ધમકીઓ જ હોય છે.
૪- ઘણી વાર તો ગુરુ જાદુગર હોય એવો ભાવ રચવામાં આવે છે, એ અંતરયામી છે અને તમને સુખ આપે છે વગેરે વગેરે કચરાપટ્ટી.
આ બધી વાતોમાં ભગવાન ઘણે દુર રહી જતો હોય છે અને પેલો ધુત પૂજાતો હોય છે. સાચો હિંદુ ધર્મ જોજનો દુર રહેતો હોય છે. જ્યાં સુધી મોક્ષ, પૈસા અને ઢોંગી ગુરુઓ દુર નહિ થાય ત્યાં સુધી ખરો હિંદુ ધર્મ ઉજાગર થવો કઠિન છે. સિવાય કે બીજા શંકરાચાર્ય કે વિનોબા કે ગાંધીજીનો ઉદય થાય અને ધર્મ માટે જીવન ખપાવે.
આપણા રાજકારણીઓએ પણ આ બધા ઢોન્ગીઓને સાચવવા પડતા હોય છે કેમ કે પાંચ વરસમાં બે ચૂંટણી આવે છે ને પેલા બાવાઓનો મઢ તો ત્યાનો ત્યાં જ હોય છે. સભામાં ગુરુ મહારાજ બે સારા શબ્દો કોઈ નેતા વિષે બોલે તો એની જીત નક્કી જાય એટલો સમુદાય આ ધર્મનેતાઓ ભેગો કરી શકે છે ભલે કોઈ સ્ટાર પ્રચારક ના કરી શકે. એટલે પછી સ્ટાર પરચારકો આ બાવાના ખોળે જાય છે. અને પેલા બાવાની ભક્તિની હાટડી વધુ ફૂલેફાલે છે.
કેવી અદભુત રચના કરી છે આ જમાતે ?! જાદુના શોમાં કે. લાલ કરે એનાથી પણ ગુઢ અને વિશિષ્ઠ. કોઈ ફસાયો એટલે આ જાળમાંથી નીકળવું જ મુશ્કેલ.
હે પ્રભુ ! આ ભક્તો અને ગુરુઓને સદબુદ્ધિ આપજે. શરૂઆત મારાથી કરજે, મારો પગ ક્યાંક આવી જાળમાં ફરીથી ના પડી જાય એનો ખ્યાલ કરજે. મારી અને નવી પેઢીની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જળવાય રહે એવું વાતાવરણ બનાવજે.
આ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા નામની બહેનપણીઓ વિષે પછી કયારેક !
છું હું
ભીડ ભરેલો ભરચક છું હું
કોલાહલની છાલક છું હું
ઘડિયાળોની ટકટક છું હું
આ નગરની વાચાળે.
એકાંતે અટવાતો ચાલું
મારાથી અકડાતો ચાલું
હું જ મને અથડાતો ચાલું
આ સફરની વાચાળે.
-મનોજ ખંડેરિયા
સાભાર પરત
અમારો ઢીલુ લેખક બન્યો એ પહેલા કુદરતે એની કસોટી, વનેચંદ પરણ્યો એ પહેલાં છોકરી શોધવામાં થઈ એવી કંઈક જ થઈ હતી. ઢીલુ ઢાંચો અમારા મિત્રોમાં સૌથી આદરણીય પાત્ર પણ એણે જે'દી લખવાનું ચાલુ કર્યુ એ જમાનામાં બધા તંત્રીઓનું કદાચ સૌથી અપ્રિય પાત્ર થઈ પડેલો. બધા ખ્યાતનામ લેખકોની જેમ એણે પણ પત્ર લખવા પર હાથ અજમાવેલો અને બે-ચાર પત્રો છપાણા પછી તો સ્લીપર પહેરતો થઈ ગ્યો. એને પત્રો કરતાં એનું નામ છપાણું એનું મા'તમ મોટું હતું એટલે જે દી' એનો પેલો પત્ર છાપાણો, એમા જીણા અક્ષરોમાં છપાયેલ પોતાના નામજોગ સંદેશને ઠેઠ ગારિયાધાર જઈ મોટી કોપી કાઢીને લેમીનેટ, પડખે રહેતાં કાંત્યાની દહની નોટ ચોરીને, કઢાવી આવેલો.પત્રલેખક બનતા તો બોવ વાર નોતી લાગી પણ પત્રલેખકમાંથી 'પત્ર'ને જાકારો આપતાં ભવ ભાંગ્યો. એના કાકા ( આજના જમાનામાં ડૅડી) ખેતીકામ કરતાં પણ આ એનો ભત્રીજો, સૉરી એનો છોરો, ખેતર ડોકાવાય જાતો નહીં. અમારા વાલાકાકા એને કાંઈ સીંધે તો કેતો કે આ મારામાં પડેલી અઢળક કળાને તમે લોકો ઢેંફામાં ધોઈ નાખ્શો ને મને આગળ નઈ આવવા દ્યો.
વાલાકાકા ભણેલાં નહીં એટલે એમને કાગળપત્ર સાથે ખાસ લેવાદેવી નહીં. એક દિ રતિમાસ્તર એના ઘરે ટપાલ આપવા આવ્યા તો વાલાકાકા એ રતિમાસ્તરને પૂછેલું, 'એલા રતિ, આ મેલાનાય કવર આવવા મંડયા?' રતિમાસ્તરે ચોખવટ કરી
રોજ ઉઠે ન્યાથી ઢીલુ લખવા બેહી જાય અને એના થપ્પાબંધ પરબીડિયાઓ ગામની ટપાલપેટી એમના લેખો શહેરમાં પહોંચાડે. રતિમાસ્તર કેય ખરા કે મારી નોકરી ઢીલુએ જાળવી રાખી છે. રોજ રતિમાસ્તર ઢીલુને ઘેર આવે ઢગલો કાગળપત્રો લઈને. બધાને લાગે ઢીલુ બોવ મોટો માણહ થઈ ગ્યો છે. પણ ઢીલુ અમને કેતો કે હાળું પાહરયુ પડતું નથી. મહિના પેલા મોકલેલાં બધા લેખો એક નાનકડી પસ્તીના કાગળની ચબરખી સાથે પાછા આવતાં, એ ચબરખીમાં માત્ર બે શબ્દો લખેલાં રહેતાઃ સાભાર પરત.
સાભાર પરતની હોડમાંથી છુટવા ઢીલુએ બનતા બધા પ્રયત્નો કર્યા પણ ઈ લપ એમ જાય એમ નો'તી. એકવાર તો સાભાર પરત થયેલ પત્રમાં સાભાર પરતની એક બીજી ચબરખી ચોંટાડી પાછો મોકલી આપ્યો, જો કે આ વખતે આ લેખ ફરીથી સાભાર પરત ના થયો પણ એ છપાય એની રાહ ઢીલુ આજે દહ વરહ પછીય જોવે છે. જો કે ગામમાં તો ઢીલુ બીજા બધાને રોફથી કેતા ફરતો કે આજે એને છો સાભાર પરતના કાગળ આવ્યા છે અને લોકો જાણે એને કોઈએ ચેક મોકલ્યા હોય એવી અમી દ્રષ્ટિથી જોતાં. અમારા ગામની લોકજીભે બોલાતાં શબ્દોની ડિક્શનરીમાં સૌથી શિષ્ટ અને વિશિષ્ઠ શબ્દ હોય તો 'સાભાર પરત' જ હતો એનો અર્થ અમારા વર્તુળ બહાર તદ્દન વિપરીત હતો.
ઘણા લેખકો સાભાર પરત કાગળ આવવાની ( કે ન આવવાની ) અનિયમિતતાને લીધે એક જ લેખ કે કવિતા એકથી વધુ તંત્રીઓને મોકલતા હોય છે અને ક્યારેક એકથી વધુ જગ્યાએ છપાતાં પણ હોય છે. પણ ઢીલુએ શ્યાહીની કેટલીય બોટલો ખાલી કરી, ગામની ત્રણેય દૂકાનોમાં આવતી પસ્તીની નિયમિત ખરીદી અને એનું વાંચન, કેટલા લેખ ક્યા સામયિકમાં કેટલી વાર છપાયા અને કેટલા બીજેથી ઉઠાંતરી થયેલા હતાં એનું મોટુ લીસ્ટ બનાવ્યુ પણ તોય એના લેખોનો કોય ધણી નો થયો.
એકવાર ઢીલુ માંદો પડ્યો, તાવ હતો ને ઉલ્ટીઓ ચાલુ થઇ. દવાખાનાવાળાઓએ ભાવનગર લઈ જવા કહ્યું. અઠવાડિયાના ખાટલા પછી પાછો આવ્યો. ઢીલુની ખબર પૂછવા ગ્યા ત્યારે એણે કીધૂ, ભગવાને મને સાભાર પરત કર્યો.
જો કે ચડતી પછી પડતી નિર્વિવાદ હોય છે એમ એની પડતી પછી ચડતીના દા'ડાય આવ્યા. ગુજરાતમાં ઘણા ચોપાનિયા/છાપાઓનું માર્કેટ આવ્યુ. એના એક લેખના જવાબમાં નોકરીની ઓફર મળી. છ હજારથી શરુઆત અને વર્ષ પછી નવ હજારની ખાતરીબંધ નોકરી. અમદાવાદમાં આવી રહેલાં રાષ્ટ્રીય ગ્રુપના સમાચારપત્રમાંથી આ કાગળ હતો. જેમાં લખ્યુ તુ, તમને લખતા આવડે છે અને અમને આવા ૪૦૦ માણસોની જરુર છે. તમારા અક્ષરો સારા છે માટે તમને એક વિભાગના એડિટરના પદ પર રાખીશું. વાલાકાકાનો ઢીલુ આગળ આવી ગ્યો હતો.
ઘણો સમય થયો પણ ઢીલુના કોઈ ખબરઅંતર નોતા એટલે બુધાએ એને ટપાલ લખી, અઠવાડિયામાં જવાબ આવ્યોઃ સાભાર પરત.
અમારા એક મિત્ર ભાવુભાઈ અમદાવાદ રહે છે એને જાણ કરી કે આ ઢીલુના કાંઈ ખબરઅંતર મળે તો જોવા. એણે છાપામાં આવતા નંબર પર ફોન કર્યો. રિસેપ્શનીસ્ટે એનો વિભાગ પૂછ્યો પણ એની તો અમને જાણ ન્હોતી. છેવટે રિસેપ્શનીસ્ટે એની ડિરેકટરીમાં જોઈને ઢીલુને ગોતી કાઢ્યો. 'હવે યાદ રાખ્જો, એ સાભાર પરત ડિપાર્ટ્મેન્ટમાં કામ કરે છે' એમ કહીને ફોન ઢીલુને ટ્રાન્સફર કર્યો. ઢીલુએ માંડ એકાદ મિનિટ વાત કરી. સાર આવો કાઈક હતો, 'હું આ આખ્ખા વિભાગનો એડિટર છું અને મને મરવાનોય ટેમ નથી. આઈ એમ રનીંગ વેરી બિઝિ'. ઢીલુભાઈ આજે બે-ચાર કોલમો પણ ઢવડે છે અને એટલે એના બિઝિના બણગાં શિરાની માફક લોકોને ગળે ઉતરે પણ છે.
આ બાજુ વાલાકાકાની હાલતમાં ખાસ ફેર નથી. એનું એ જ વાહીદુ, ગમાણ, ભેંસ અને ભારો. હમણાં દામનગરથી પસ્તીવાળો આવ્યો હતો. વાલાકાકાને થયુ બે રુપિયે કિલો લેખે તો ઘણા પૈસા મળશે, લાવ આ ઢીલ્યાના કાગળિયા પધરાવી દઉ. વાલાકાકાએ પસ્તીના થોકડા ડેલીની માલકોર કર્યા અને ઓલા પસ્તીવાળાને લઈ આવ્યા. પસ્તીવાળો નિસાસો નાખીને બોલ્યો, 'હું છાપાની પસ્તી જ લઉં છું, આ પસ્તીના પડીકા નો વળે.' વાલાકાકા સાભાર પરતના કાગળિયા વટાવવા ગયા પણ પસ્તીવાળાએ બીજીવાર સાભાર પરત કર્યા. જીવ બાળતાં એણે પાછા ઉપાડીને પટારામાં ભરી દીધા.
This got released recently in one the Orkut group's eMagazine called 'The Readers'. Want to see it ? Click Here
This is my first ( and probably last too) attempt to write humorous article !
Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008




