દરવાજે ઉભો છું – મનોજ ખંડેરિયા
સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.
નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.
તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.
ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.
કેટલાયે માનવો – દિલીપ ગજ્જર
સંગીત: નારાયણ ખરે
સ્વર: દિલીપ ગજ્જર
કેટલાયે માનવો આવી ગયાં
ખૂબ થોડા જિન્દગી જીવી ગયા.
ગામથી તો શહેરમાં જઈને વસ્યા
શહેરથી પરદેશમાં પહોંચી ગયા
આમ અમને આ ધરા નાની પડી
ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં
માનવીના મન સુધી તો ના ગયા
ઈશને પાડોશમાં ચૂકી ગયાં
ધ્યેય વિનાની ગતિથી દોડતાં
આખરે પાછા ઘરે આવી ગયાં
આવતા ઘરમાં જરા મોડું થયું
ક્યાં મને મૂકી ‘દિલીપ’ચાલી ગયા
——————————————————————-
આ ગઝલ મોકલી આપવા માટે શ્રી દિલીપભાઈનો ખુબ ખુબ આભાર.
આપ તેમનો http://leicestergurjari.wordpress.com/ પર સંપર્ક કરી શકો છો.
ખુદાને પામવાનું – દિગંત પરીખ
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
ખુદાને પામવાનું નામ શ્રદ્ધા,
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા.
ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુ:ખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.
તમે આવો નહીં ને તે છતાંયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.
સંબંધો તૂટે એનું નામ શંકા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા.
રસ્તો – ભીખુભાઈ ચાવડા ‘નાદાન’
સ્વર: મનહર ઉધાસ
“એક સફરની વાત છે કે રાહમાં આંધળા અડફટમાં આવી જાય છે
એક નજરની વાત છે કે પ્રેમમાં આંધળા રસ્તો બતાવી જાય છે.”
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો,
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો.
તમે ચેતવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે,
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો.
કહો આ આપના સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.
જતો ‘તો એમને ત્યાં એ રીતે સમા મળ્યા તેઓ,
પૂછી પૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો?
પ્રતીક્ષા નહીં કરો તો પણ એ કરવાની ફરજ પડશે,
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.
જરા અંધાર નાબુદીનો – શોભિત દેસાઈ
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: આલાપ દેસાઈ
જરા અંધાર નાબુદીનો દસ્તાવેજ લઈ આવ્યો,
અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો.
તમે છો એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં બસ હું થોડો વેજ લઈ આવ્યો.
હતી મરમર છતાં પર્ણો અનુભવતા એકલતાં,
પવન જઈ રાતરાણીથી મહેકની સેજ લઈ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યાં લોહીમાં હું એજ લઈ આવ્યો.
હું મૌન રહીને – શયદા
સ્વરાંકન / સ્વર: નયન પંચોલી
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું,
ભાર નિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
કોઈ ધરમ નથી ને કર્મ નથી, કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસત હું સહુ ભેદ બતાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સહેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું.
જિંદગીનો તાપ – આદમ ટંકારવી
જિંદગીનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું
કે પછી સંતાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
આ તરસ છીપે નહીં, ટીપે નહીં, પીપે નહીં,
ને જિંદગીને શાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
છાંયડા તો કંઈક જીવનમાં મળ્યા ‘આદમ’ છતાં,
આ તરસનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું.
રહેવા દો હવે – રજની પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
રહેવા દો હવે રોજની તકરારની વાતો,
બેસીને કરો કોઈ ‘દી તો પ્યારની વાતો.
બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો,
રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો.
ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,
સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો.
આપ્યું ‘તું તને તેજ ગણી સ્થાન નયનમાં,
પણ તેં જ સુણાવી મને અંધકારની વાતો.
‘રજની’ એ ખતા ખાઈ ગયો મુર્ખ બનીને,
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યારની વાતો.
તારા વિરહના શહેરનો – જવાહર બક્ષી
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી
સ્વર: જયેશ નાયક
આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે,
બોલાવ્યા અમે ના બોલીશું પણ હોઠે તમારું નામ હશે.
નૌકા જો અમારી ડૂબી તો અંજામ બૂરો થાશે એનો,
તોફાન ઉમટશે કિનારે મઝધાર બધી સુમસામ હશે.
ઉપવનમાં કરુણા વ્યાપી ગઈ ખોલ્યા મેં જયારે જખમ દિલના,
કાંટાએ નથી માની શકતા ફૂલોનું આવું કામ હશે.
હો દિલમાં ભેલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની,
એક તારો દિલાસો મળશે તો ખુબ મને આરામ હશે.
હરદમ તને જ યાદ કરું – શૂન્ય પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
“બધી દુનિયાને ભૂલી જાઉં છું તારા વિચારોમાં
છતાં તારા વિચારોને ભુલાવી નથી શકતો.”
હરદમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું દર્દ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અટલ એજ કે એને સજા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ઘાવ પર,
સંભવ છે ત્યાં જ કોઈ રૂપે ખુદા મળે.
દૂરતા કોઈ વખત મોંઘી પડી – જવાહર બક્ષી
સ્વર: આશિત દેસાઈ, પુરષોત્તમ ઉપાધ્યાય
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.
મહેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દની સાથે રમત મોંઘી પડી.




