Browsing all articles tagged with kavya
Jul
21

ગુજરાતી શબ્દ અને સંગીત મહોત્સવ… શિકાગોમાં !

આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે.  તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે.  છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

flyer_program_aug07_08_2010

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

Jul
11

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

*****

અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…

ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

Jun
28

વધામણી – ચિનુ મોદી

chinu-modi-vadhamani

(ચિનુભાઈની એક અપ્રગટ ઓવનફ્રેશ ગઝલ… ‘ગાગરમાં સાગર’ માટે)

વસંતો આવવાની પુષ્પને આપો વધામણી ?
વિહંગો વૃક્ષ પર છે ચૂપ ને આપો વધામણી ?

અમારી આંખમાં આવી ગયા છે એક-બે અશ્રુ,
તમે સપને દીધેલા રૂપને આપો વધામણી.

હજી હમણાં જ આકાશેથી રમવા નિકળ્યા તારા,
જરા જંપી ગયેલા કૂપને આપો વધામણી.

તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,
પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.

જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,  
પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ-session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી, એને સતત મહાવરાથી on-demaand પણ લખી શકાય છે.   એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ-sessionની વાત કરી હતી.  જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ‘વધામણી’ શબ્દ આપ્યો.  અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી.  પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું… ( આભાર ચિનુભાઈ!) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત… :)  

વસંતનાં આગમન જેવી અટલ ઘટના માટે પુષ્પને વધામણી આપવાની કોઈ જરૂર ખરી?   પક્ષીઓ પોતાના કલરવ અને ટહુકાઓ મૂકીને જો ચૂપ થઈ જાય તો એમને વધામણી આપવી જોઈએ ખરી?   વધામણી કોને આપવી જોઈએ -ની વાતો કરતી  આ શિઘ્ર ગઝલનાં આમ તો બધા જ શે’ર તરત જ ગમી જાય એવા થયા છે.  પરંતુ મને તડાકે બંધનો તોડીને ભૂપનાં પણ ભૂપને વધામણી આપવાવાળો શેર જરા વધુ ગમી ગયો.

ગયા અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે માણો…

Jun
17

કાવ્યપઠન ૭ : વરદાન બનીશું -વિવેક મનહર ટેલર

એક અઠવાડિયાથી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા આ કાવ્યપઠન સ્પેશ્યલને એક સ્પેશ્યલ ગઝલથી વિરામ આપીએ.  આપણા ઘરનાં જ કવિની એકદમ તરોતાજા ઓવનફ્રેશ ગઝલનાં કાવ્યપઠનથી…  :)


(દિલોજાન બનીશું….   ફોટો: વિવેક ટેલર)

ગઝલ પઠન - વિવેક ટેલર

[See post to listen to audio]

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

- વિવેક મનહર ટેલર
(26-05-2010)

*

વિપરીત સમયમાં પણ કશુંક બની બતાવવાની ખુમારી લઈને આવેલી આ ગઝલ ખરેખર ખૂબ જ સ-રસ થઈ છે.  બીજો શેર ખૂબ અદભૂત લાગ્યો… ગોખી લઈને વારંવાર વાપરવા જેવો… :)  અને મા ગુર્જરીવાળો શે’ર તો, અહાહાહા……………..

ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વાચક-ભાવક મિત્રોનો દિલથી આભાર… હવેથી ફરી આપણે અહીં રાબેતા મુજબ જ મળતા રહીશું, થોડા થોડા દિવસનાં આંતરે.

Jun
16

કાવ્યપઠન ૬ : પ્રતીક્ષા (બે ગઝલો) -રિષભ મહેતા

આજે BOGO… મતલબ કે buy one, get one free !  :-)  એટલે કે રિષભ મહેતાની ‘પ્રતીક્ષા’ ઉપરની એક નહીં પણ બે ગઝલો આપણે એમનાં જ અવાજમાં માણીએ.

lady-awaits

( નહીં આવનારા, તને શી ખબર…? )

[See post to listen to audio]

- ગઝલ : ૧ -

અમે તો કરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા,
બહુ આકરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

સળગવાનું કાયમ, તડપવાનું કાયમ,
કદી ક્યાં ઠરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા !

નહીં આવનારા, તને શી ખબર કે
તને કરગરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

અમે તો કદી થાકીને આંખ મીંચી,
કદી ક્યાં મરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા !

તને અશ્રુ લાગે પરંતુ નયનથી
પળેપળ ખરી છે પ્રતીક્ષા પ્રતીક્ષા.

*

- ગઝલ : ૨ -

જરા પણ ન એવું, પ્રતીક્ષા રડાવે,
હૃદયમાં પડી છે તે શંકા રડાવે.

તને આખી મૌસમ પલાળી શકે ના,
મને માત્ર બે-ચાર છાંટા રડાવે.

મને મારી શંકાએ હસવા ન દીધો,
અને જો, તને તારી શ્રદ્ધા રડાવે.

તમન્ના ફુલોની સદા ડંખ દે છે,
અને લોક માને કે કાંટા રડાવે.

જણાયુ જો આંખોની મેં ભાળ કાઢી,
કે એને અવળચંડા સપના રડાવે.

કુહાડીનાં ઘાવો સહી લઉં છું, કિંતુ
મને માણસોની ઉપેક્ષા રડાવે.

- રિષભ મહેતા

રિષભઅંકલની ઘણી ગમતી ગઝલોમાં આ બે ગઝલો મને ખૂબ જ ગમે છે.  જાણે કે ‘પ્રતીક્ષા’નાં બધા જ સંભવિત પ્રકરણો એમણે આ બંને ગઝલોમાં સમાવી લીધા હોય એમ લાગે છે. પહેલી ગઝલમાં રદીફમાં ’પ્રતીક્ષા’નાં પુનરાવર્તનથી એની અસર ખૂબ જ ઘેરી થઈ શકી છે.  બીજી ગઝલમાં મૌસમવાળો અને અવળચંડા સપનાવાળો શે’ર ખૂબ ગમી ગયો…

Jun
15

કાવ્યપઠન ૫ : (રણને અમારી પ્યાસનું પાણી બતાવશું) -ગૌરવ ગટોરવાળા

પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પળનું પરબીડિયું ‘ હમણાં તાજેતરમાં જ કિરણભાઈનાં નૂતન ‘સાંનિધ્ય પ્રકાશન’ દ્વારા બહાર પડ્યો.   આ કાવ્યસંગ્રહનાં વિમોચન, પ્રવચન અને સમીક્ષાની વિગતવાર વાતો વિવેકે ‘લયસ્તરો’ પર ભાગ-૧ અ ને ભાગ-૨ માં કરી હતી… તો આજે આપણે એમાંની એક ગઝલ ગૌરવભાઈનાં જ અવાજમાં સાંભળીએ….

mirage-in-dessert

(પીવા મળે તો ઝાંઝવા પણ…          ફોટો: વેબ પરથી)

[See post to listen to audio]

રણને અમારી પ્યાસનું પાણી બતાવશું,
પીવા મળે તો ઝાંઝવા પણ પી બતાવશું.

ચાહો તો એકરસ કરો- લોહી ને આંસુઓ,
તો પણ અલગ એ બેઉને પાળી બતાવશું.

વાચન અમારું આમ તો કાચું છે તે છતાં
ભાષા આ મૌન નેત્રની વાંચી બતાવશું.

નિર્ભય રહ્યું નથી હવે જીવન હવા ઉપર,
કહી તો જુઓ, આ શ્વાસને ત્યાગી બતાવશું.

ત્યારે જ માનશે સહુ શબ્દો છે ચાળણી,
જ્યારે આ લાગણી અમે ચાળી બતાવશું.

-ગૌરવ ગટોરવાળા

રણને પણ પોતાની પ્યાસનું પાણી બતાવવાની અને ખુદ ઝાંઝવાને પી જવાની તૈયારી બતાવનાર ગૌરવભાઈનાં કાવ્યસંગ્રહ માટે કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ની આકર્ષક યોજના અને કાવ્યસંગ્રહના વિમોચનનાં કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.  લાગણીને ચાળી બતાવવાની વાત ખૂબ જ ગમી ગઈ…

Jun
14

કાવ્યપઠન ૪ : લલગાગા લલગાગા – હેમંત પુણેકર

આજે માણીએ હેમંતભાઇની આ મઝાની ગઝલ, એમના પોતાના સ્વરમાં. ‘લલગાગા લલગાગા’.. આવો રદ્દીફ લઇને આવેલી ગઝલ - કોઇ પણ ગઝલકારને, કે ગઝલકાર બનવા માંગતા કોઇપણ ગઝલપ્રેમીને થોડી વધુ પોતીકી લાગશે. ગઝલના છંદમાં આવતા લઘુ-ગુરુ - લ અને ગા - ના બંધારણો સાથેનો એમનો એક અલગ જ નાતો હોય છે…

મને યાદ છે - એક વાર એક ગઝલકાર મિત્રએ મારી હાજરીમાં ટહુકો ખોલ્યો, અને એ દિવસે મેં મરીઝની એક ગઝલ મૂકી હતી… એ મિત્રએ ગઝલનો મત્લા વાંચવાની શરૂઆત કરી મોટેથી…

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,

અને આ શેર પૂરો કરે એ પહેલા એના મોઠે સંભળાયું ઃ

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

લો… મેં મારી રીતે તો કોશિશ કરી આ ગઝલ વિષે કંઇક કહેવાની, અને હવે તમે કવિ હેમંતભાઇ પોતે શું કહે છે, એ પણ માણો…

આજે એક અલગ જ રદીફ – “લલગાગા લલગાગા” સાથે લખાયેલી ગઝલ પોસ્ટ કરું છું. રદીફ જ એવો છે કે (ખાસ તો છંદોથી અજાણ મિત્રો માટે) થોડીક પ્રસ્તાવના આપવી જરૂરી છે.

કોઈ અક્ષરના ઉચ્ચાર માટે લાગતાં સમયના આધારે એનું વજન લઘુ (લ) અથવા ગુરુ (ગા)એમ નક્કી થાય છે. લઘુ-ગુરુની ચોક્કસ સંરચના વાપરીએ તો લખાણ છંદમાં છે એમ કહેવાય. હવે આ નીચેની પંક્તિ એક શ્વાસે વાંચો (ખાલી જ્ગ્યા હોય ત્યાં થોડોક વિરામ આપો)

ગાગા લલગાગા લલગાગા લલગાગા

આ પઠન જો પાંચ છ વાર કરશો તો એક લય/ધૂન/ટ્યુન બની હોવાનું જણાશે. જેમ કે આપણે કોઈ ગીત ગણગણતાં હોઈએ એવું લાગશે. બસ આ લયબદ્ધતા જ છંદબદ્ધ કાવ્યોનો પ્રાણ છે.

જે છંદનું ઉદાહરણ મેં લીધું એ થોડો અઘરો છંદ ગણાય છે અને એમાં ગઝલ લખવાની ઈચ્છા હતી. રઈશભાઈએ એની સરસ ટેકનીક શીખવાડી કે આ લય મનમાં સતત ચાલતો રહે તો શબ્દો આપોઆપ એ લયમાં પકડાઈને આવે અને ગઝલ લખવું સહેલું થઈ જાય. શું લખવું એ નક્કી નહોતું પણ એક વાત મનમાં ઘોળાતી હતી કે જે ક્રમિકતા છંદોમાં છે એવી જ ક્રમિકતા જીવનમાં પણ જોવા મળે છે. બસ “લલગાગા લલગાગા” એ ક્રમિકતા સૂચક રદીફ બની ગયો અને આ પંક્તિઓ સ્ફૂરી.

પછી જીવનમાં દેખાતી અનેક ક્રમિકતાઓ ના રંગ આ ગઝલમાં ઊમટ્યાં.
- હેમંત પૂણેકર

[See post to listen to audio]

આ વિશ્વના લયનું લલગાગા લલગાગા
સ્પંદન છે હૃદયનું લલગાગા લલગાગા

નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, શશી – શબ્દ ગગનનાં
ને અસ્ત-ઉદયનું લલગાગા લલગાગા

ટકટકતો નથી એ હવે ઘડિયાળના કાંટે
ખળખળવું સમયનું લલગાગા લલગાગા

તૂટતો રહે, જોડાતો રહે દૃષ્ટિનો સેતુ
ભય મિશ્ર પ્રણયનું લલગાગા લલગાગા

આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું-વિનયનું લલગાગા લલગાગા

યાદોના ભરાવાનો આ કાગળ પર ઉતારો
સંચય અને વ્યયનું લલગાગા લલગાગા

શબ્દોથી બને પંક્તિ, તૂટે પંક્તિથી શબ્દો
સર્જન ને વિલયનું લલગાગા લલગાગા

મુજ મૌનનું ઐશ્વર્ય બન્યું શબ્દનો વૈભવ
સંધાન ઉભયનું લલગાગા લલગાગા

“હેમંત” રદિફ, કાફિયા રમતા રહે મનમાં
બાકીના વિષયનું લલગાગા લલગાગા

- હેમંત

———–

છંદઃ ગાગા લલગાગા લલગાગા લલગાગા

Jun
11

કાવ્યપઠન ૧ : ઘટમાં તોયે વટમાં જીવ્યા -કિરણસિંહ ચૌહાણ

ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠ નિમિત્તે આજથી શરૂ થતા કાવ્યપઠન સપ્તાહનું આ પહેલું મોતી આપણા સુરતનાં કવિમિત્ર શ્રી કિરણભાઈ તરફથી…

15539_1265686195697_1036034151_831731_2351847_n

(તેજ સૂર્યનું ચોરી લેવા…         ફોટો : તેજસ સોની)

સ્વર : કિરણસિંહ ચૈહાણ

[See post to listen to audio]

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,
મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?
તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

- કિરણસિંહ ચૌહાણ

જીવ સટોસટની બાજી હોય અને તોયે આપણું મન રાજી હોય; અને ત્યારે ભલે ને ચેન મળે કે ન મળે, પરંતુ જો જીવનમાં માત્ર એક મનગમતી રટ મળે તોયે આખું જીવન ઘણી આસાનીથી અને આનંદથી જીવી જવાય છે… એ જ અસાધારણ વાતને કવિએ અહીં કેવી સાધારણ રીતે કરી છે !

Jun
10

સો ટચનું સોનું…

પાંચ-છ વરસ પહેલાં ગુજરાતી સાહિત્યના એક નવા જ યુગનો આરંભ થયો.  ‘ગુજરાતી ભાષા મરવા પડી છે’ના નારાઓ જ્યારે પૂરજોશમાં હતા એવા એક સમયે વિદેશમાં વસતા બે-ચાર જણે ગુજરાતી બ્લૉગની શરૂઆત કરી. શરૂઆતની થોડી ઉદાસીનતા બાદ બ્લૉગ્સની લોકપ્રિયતા વધવા માંડી અને આજે આ બ્લૉગ્સ ઇતિહાસ રચવાની ઘડીએ આવી ઊભા છે. આ બ્લૉગ્સ હવે ગુજરાતી ભાષાનું નવું સરનામું બનનાર છે.. મરણાસન્ન ભાષા માટે આ બ્લૉગ્સ એક સંજીવની બનીને આવ્યા છે… જે યુવાન પેઢી ગુજરાતીથી સાવ વિમુખ થતી જણાતી હતી એ જ યુવાપેઢીના હાથમાં બહુધા આ બ્લૉગ્સની લગામ છે… આજે તો હવે બિલાડીના ટોપની જેમ ગુજરાતી બ્લૉગ્સના રાફડા ફાટી નીકળ્યા છે પણ મોટા ભાગના બ્લૉગ્સ સ્થાપિત બ્લૉગ્સની નબળી નકલ અથવા ટૂંકી રેસના ઘોડા સાબિત થાય છે… બહુ ઓછા બ્લૉગ્સ અને સાઇટ્સ છે જે સમય અને ગુણવત્તાની - એમ બંને એરણ પર સો ટચનું સોનું સાબિત થાય છે…

ઊર્મિસાગર.કોમ સો ટચના સોનાની યાદીમાં આવતી અગ્રેસર વેબસાઇટ છે.

way-to-success
(સફળતાનો રસ્તો…   લિબર્ટી પાર્ક, ન્યુ જર્સી, ઓક્ટો-2009…  ફોટો : વિવેક ટેલર)

આજે દસ જુન… ઊર્મિસાગર.કોમની યાત્રા શરૂ થયાના ચાર વરસ પૂરાં થયા.. પાછું વળીને જોઉં છું તો આ યાત્રા ખાસ્સી સંતર્પક લાગે છે… ઊર્મિસાગર.કોમની બંને શાખાઓ- ગાગરમાં સાગર અને ઊર્મિનો સાગર- ગુણવત્તા અને સાતત્યની કસોટી પર ખરી ઉતરી છે. ઊર્મિની કવિતાઓમાં પણ સમય સાથે નિખાર આવતો આપણે સહુએ સાથે મળીને જોયો છે. હવે એની કવિતાઓ વિદેશના સામયિકોમાં પ્રગટ થાય છે અને ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સામયિકમાં એના વિશે ટિપ્પણી પણ આવે છે. એ કવિ સંમેલનોમાં મુખર થઈ રહી છે તો એની કવિતાને ચિનુ મોદી જેવા દિગ્ગજો બિરદાવે પણ છે…

આજના આ સોનેરી દિવસે સાઇટની વર્ષગાંઠ નિમિત્તે મારી ભીતર જે ખુશી અને શુભ-ઇચ્છાનું ઝરણું ફૂટી નીકળ્યું છે એને તો આ કાગળને તાર-તાર ભીનો કરવા જ દઈશ પણ સાથે એ પણ યાદ કરાવવા ઇચ્છીશ કે આ કોઈ સીમાચિહ્ન નથી, આ તો માઇલ્સ્ટોન છે… હજી તો ઘણા ગાઉ કાપવાના બાકી છે… હજી તો ઘણા ગઢ સર કરવા બાકી છે અને સીમાચિહ્ન તો આખી સફરના અંતે છેક છે… હવે એ દિશામાં પ્રયાણ હો…

અંતે ઊર્મિની એક સુંદર ગઝલ:

આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

દિલના દર્દોની કથા વિસ્તાર સંભળાવ્યા પછી,
કેટલું આ દિલ બળ્યું છે એ જ લખવાનું સખા !

કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં, આખરે-
‘ઊર્મિ’નું મોતી જડ્યું છે એ જ લખવાનું સખા !

*

કાલથી એક અઠવાડિયા માટે અહીં કાવ્યપઠન-સપ્તાહની ઉજવણી રાખી છે… તો આ ઉજવણીમાં સૌને પધારવાનું ને ભાગ લેવાનું અમારું હાર્દિક આમંત્રણ.   તો ચાલો આપણે રાહ જોઈએ કે કાવ્યપઠનનાં કયા કયા મોતીઓ કાલથી ઊર્મિ અને જયશ્રી લઈને આવે છે…

Jun
10

સંત અને સાહિત્યનું સાન્નિધ્ય… ન્યુ જર્સીમાં ! (જુલાઈ 3 – 11)

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ યોજે છે

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.

‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ

દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો…

રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું.  અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે.  આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે.  શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?!  તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ અસ્મિતા પર્વ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.

આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે.  જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે.   રામકથાના બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે.   જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.

કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે.  ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ,  શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી,  શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે.  અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ,  શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે.  કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

હોટેલનાં બુકિંગ અને ડિસ્કાઉંટ માટેની માહિતી માટે તમે અમારા GLA બ્લોગની મુલાકાત લઈ શકો છો !

Jun
9

તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

યામિનીબેનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે (જૂન ૧૦) એમને મારા અને તમારા તરફથી અઢળક શુભેચ્છાઓ. આજે આપણે માણીએ, એમનાં જ એક નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?       ફોટો :  વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

[See post to listen to audio]

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

આજે માત્ર આ ગઝલને જ બોલવા દઈએ… :-)

May
31

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

ધવલભાઇના શબ્દોમાં આ ગઝલની પ્રસ્તાવના :

નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.

આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.

સ્વર : પ્રણવ - બીના મહેતા

This text will be replaced

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

May
10

‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ

રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું.  વળી, લયસ્તરો ઉપર પણ એનું ખાસ ઇ-મોચન કરવામાં આવ્યું હતું  !  એમના પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે - ‘મારા હિસ્સાનો સૂરજ ‘.  એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે - ‘વ્હાલ વાવી જોઈએ ‘ !  મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને?  કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ : વ્હાલ વાવી જોઈએ  :-)

તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

book-cover-gaurang-thakar-2ndbook

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

સ્વર : ગૌરાંગ ઠાકર

[See post to listen to audio]

*

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

આખી ગઝલ ગૌરાંગભાઈનાં હસ્તાક્ષર સાથે અહીં વાંચો !

*

ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ,
માવજત માળીની બસ વિસરાઈ ગઈ.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

કોણ પડછાયા ઉપાડી જાય છે ?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.

આખી ગઝલ અહીં વાંચો !

*

પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

આ સાથે જ માણો -

  • ‘વ્હાલ વાવી જોઈએ‘ કાવ્યસંગ્રહનું ઈ-મોચન લયસ્તરો પર…
  • થોડા મુક્તક-શેરનું કાવ્યપઠન ટહુકો પર…
May
9

મા ! -રતિલાલ બી. સોલંકી

સૌ મા, માતે, મમ્મી, મમ્મા, મધર્સ ને…. હેપ્પી મધર્સ ડે ! :-)

mother_son
(ધોમધખતા તાપ સામે ઢાલ જેવું ઝરમર વાદળ…)

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !

સાવ ખાલીખમ હતું, પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !

-રતિલાલ બી. સોલંકી

‘માં’ વિનાનું ઘર ખરેખર ઘર નથી લાગતું… પરંતુ એક કરુણ હકીકત એ પણ છે કે આ વાતની સૌને ખબર હોવા છતાં ‘મા’ની હયાતીમાં મોટેભાગે આ વાત નથી સમજાતી !   અને આમ તો આ ગઝલ સ્વયં જ એટલી બોલકી છે કે એના વિશે મારે વિશેષ કાંઈ કહેવાનું રહે ખરું…?!

Apr
28

અશ્રુ ચાલ્યા જાય છે … – શયદા

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.

સ્વર - સંગીત : સોલી કાપડિયા

This text will be replaced

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

Apr
19

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની એક મઝાની ગઝલ, એમના જ અવાજમાં! પણ શરૂઆત કરીએ ઊર્મિના આ એક એટલા જ સુંદર શેર સાથે..!

તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
મળી નહીં ક્યારેય પાછી મને હું!
- ઊર્મિ

*****

ગઝલ પઠન: અંકિત ત્રિવેદી
[See post to listen to audio]

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

- અંકિત ત્રિવેદી

Apr
13

ગઝલ – ગૌરાંગ ઠાકર

આજે પ્રસ્તુત છે ગૌરાંગ ઠાકરની એક તાજી ગઝલ…
ગૌરાંગભાઈને મારા અને તમારા તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.

rose-of-sharon-748310
(ખુશ્બુનું સરનામું…      ફોટો: વેબ પરથી)

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહી તો સૂર્ય રાજીનામું આપે.

અમે ચારે તરફ પૂછી વળ્યા પણ,
હવા ક્યાં ખુશ્બુનું સરનામું આપે?

તું પહેલા વેંત નીચો તો નમી જો,
તને એ બેઠો કરવા માથું આપે.

ખરી ઈશ્વર કૃપા એને ગણી લ્યો,
કદી કોઈના માટે આંસુ આપે.

આ પડછાયો દિવસમાં ભુસીયે ચાલ,
પછી તો રાત પણ અજવાળું આપે.

- ગૌરાંગ ઠાકર

આખી ગઝલમાં મને તો મત્લાવાળી વાત જરા વધુ જચી ગઈ… સૂરજદાદાને આવી ખુલ્લમ-ખુલ્લા ધમકી તો માત્ર કવિ જ આપી શકે !  :-)  વર્ષ 2008-09 નો ‘શયદા પુરસ્કાર’ મેળવનાર ગૌરાંગભાઈને સૂરજદાદા સાથે આમ પણ ખૂબ જ લેણું હોય એમ લાગે છે. એમનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ પણ એમણે ‘મારા હિસ્સાનો સૂરજ‘ રાખ્યું છે. (એમનાં આ કાવ્યસંગ્રહનો આસ્વાદ અહીં માણી શકો છો.)

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll