ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા
માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
- ધૂની માંડલિયા
શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા
માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !
મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
– અશરફ ડબાવાલા
————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર - લયસ્તરો)
————-
અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)
ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”
શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.
રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.
આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.
આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર - $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર - $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ - $25, $50, VIP($100).
ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600
મૌસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ
સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: શ્યામલ – સૌમિલ મુનશી
મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.
શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.
હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.
આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.
મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.
ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?
મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.
વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)
ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.
બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.
જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.
હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.
હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.
ના કશેથી આવવું કે ના જવું -
ને ઉપરથી જાય ના ભીનો વખત.
શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.
સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.
ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !
-રવીન્દ્ર પારેખ
જીવી લઈશું – મહેક ટંકારવી
આજે સંભાળીએ લેન્કેશાયરના જાણીતા શાયર શ્રી મહેક ટંકારવીની (ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુકેના પ્રમુખ) ગઝલ એમનાં તરન્નુમમાં. ગઝલ મોકલી આપવા માટે પંચમભાઈનો ખુબ ખુબ આભાર.
આ ઝિંદગીની ચાર ઘડી એ રીતે જીવી લઈશું,
બે ઘડી હસી લઈશું, બે ઘડી રડી લઈશું.
બે દિવસ તમન્નામાં, બાકી બે પ્રતીક્ષામાં,
બાદશાહ ઝફર માફક આહ પણ ભરી લઈશું.
આ નફરતોની નગરીમાં પ્રેમ ગીત ગાવું છે,
ભરબજારે મજનૂ થઈ તૂ હિ તૂ કરી લઈશું.
બોજ વાસ્તવિકતાનો થઈ જશે અસહ્ય જ્યારે,
આંખ બે ઘડી મીંચી સ્વપ્નમાં સરી લઈશું.
હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે,
નામ આપનું લઈને સાગરો તરી લઈશું.
નામ, ઠામ ના પૂછો… ઓળખી તમે લેશો,
મહેફિલે ‘મહેક’ થઈને જ્યારે મઘમઘી લઈશું.
પહેલી હેલી પછી – ઉશનસ્
પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !
બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી
જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.
- ઉશનસ્
તો તુ શું કરીશ ? – મુકેશ જોષી
ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?
વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?
એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?
કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?
જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?
- મુકેશ જોષી
મરવાનું મન થયું – અમર પાલનપુરી
સ્વર - સંગીત : હરીશ સોની
તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.
ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!
- અમર પાલનપુરી
તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી
સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
મનોજ પર્વ ૧૨ : જળ
‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે -
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ
* * * * *
ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ
મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.
- નીતિન વડગામા
***********
(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)
સ્વર-સંગીત : અમર ભટ્ટ
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ
ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ
કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ
માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ
જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ
ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ
- મનોજ ખંડેરિયા
મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ
સ્વર - સંગીત : અમર ભટ્ટ
(The horizon @ 0.00 degrees Equator, Kenya)
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.
- મનોજ ખંડેરિયા
મનોજ પર્વ ૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી - પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.
ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

*****
અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!
સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને?
)
સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
- મનોજ ખંડેરિયા
મનોજ પર્વ : ૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં
આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.
ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
- મનોજ ખંડેરિયા
અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે - પણ આજે આ ગઝલ - કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!
ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા
________________
Posted on December 4, 2007
મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત - શ્યામલ - સૌમિલ મુન્શી

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
- મનોજ ખંડેરિયા
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે
જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.
નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.
છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.
હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.
માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.
- મકરંદ મુસળે
સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય
કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.
પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…
ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…
તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..
વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.
પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.
પ્રણયપત્રો – ચન્દ્રકાન્ત ‘સુમન’
કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયાં છે ? મેં મનાવ્યાં તો નથી.
કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી?
દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી?
ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?
કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી?
ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?
કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?
યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?
- ચન્દ્રકાન્ત ‘સુમન’
તમારી એ આંખોની – યામિની ગૌરાંગ વ્યાસ
સ્વરાંકન / સ્વર: શૌનક પંડ્યા
તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?
વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?
વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?
તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?
Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008







